
Gujarat Rain: રાજ્યમાં ફરી એક વખત મેઘરાજા જમાવટ કરશે. ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આવતીકાલથી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. આ કારણે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારમાં લો-પ્રેશર એરિયા યથાવત છે. તેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાની સપાટીથી આશરે 9.4 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. આ હવામાની સિસ્ટમની અસર ગુજરાત સહિત આસપાસના વિસ્તારોમાં જોવા મળી શકે છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે. બંને હવામાની પરિસ્થિતિના કારણે ગુજરાતમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

આવતીકાલે મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે સ્થાનિક સ્તરે પાણી ભરાવા સહિતની સ્થિતિ સર્જાઈ શકે છે.

દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સંઘ પ્રદેશ દમણ અને દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને દરિયામાં પવન અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
Published at : 11 Sep 2026 05:49 PM (IST)














Leave a Reply