Free AI Tools Hub

Free AI Tools, PDF Tools & Directory

બાંગ્લાદેશે પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં કાંગારુઓને પછાડ્યા, ડાર્વિન ટેસ્ટમાં ઐતિહાસિક જીત


AUS vs BAN 1st Test : બાંગ્લાદેશે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ટેસ્ટ મેચમાં હરાવીને નવો ઇતિહાસ રચી દીધો છે. આ પહેલા 2003 માં બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાની ધરતી પર 2 ટેસ્ટ રમ્યા હતા અને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એટલે કે 23 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ રમવા પહોંચેલી બાંગ્લાદેશી ટીમે આ વખતે ઇતિહાસ બદલી નાખ્યો છે.

ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીનો પ્રથમ મુકાબલો ડાર્વિનના મરારા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયો હતો. આ મુકાબલામાં બાંગ્લાદેશે 9 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો. બાંગ્લાદેશને જીતવા માટે 57 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે ચોથા દિવસના બીજા સેશનમાં હાંસલ કરી લીધો હતો. બાંગ્લાદેશની જીતના હીરો ફાસ્ટ બોલર હસન મહમૂદ અને ઓલરાઉન્ડર મેહદી હસન મિરાજ રહ્યા હતા. મહમૂદે આ મેચમાં કુલ 9 વિકેટ ઝડપી હતી. જ્યારે મિરાજે 65 રન બનાવવાની સાથે-સાથે મેચમાં 5 વિકેટ પણ પોતાના નામે કરી હતી.

બાંગ્લાદેશની ઓસ્ટ્રેલિયા સામે તેના જ ઘરમાં આ પ્રથમ ટેસ્ટ જીત રહી. આ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને બીજી વખત પરાજીત કર્યું છે. આ પહેલા ઓગસ્ટ 2017 માં મીરપુર ટેસ્ટમાં તેણે કંગારૂ ટીમ પર 20 રને જીત મેળવી હતી. બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 7 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ 5 મેચ અને બાંગ્લાદેશે 2 મેચ જીતી છે. ટેસ્ટ સિરીઝની બીજી મેચ 22 ઓગસ્ટથી મેકે ખાતે રમાશે.

કેમરન ગ્રીનની સદી એળે ગઈ

મુકાબલાના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઇનિંગ્સના સ્કોર 161/4 થી આગળ રમવાનું શરૂ કર્યું હતું. મેહદી હસન મિરાજે પહેલા જ સેશનમાં એલેક્સ કેરી (30 રન), બ્યુ વેબસ્ટર (5 રન) અને પેટ કમિન્સ (8 રન)ને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની સ્થિતિ મુશ્કેલ બનાવી દીધી હતી.

વિકેટોના પતન વચ્ચે કેમરન ગ્રીન ક્રીઝ પર ટકી રહ્યો હતો. ગ્રીને 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 201 બોલમાં 104 રન બનાવ્યા હતા. ગ્રીનના ટેસ્ટ કરિયરની આ 3જી સદી હતી. મિચેલ સ્ટાર્કે (18 રન) પણ ક્રીઝ પર ટકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તસ્કીન અહમદે તેની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. કેમરન ગ્રીન 9મી વિકેટ તરીકે આઉટ થયો હતો, જેને હસન મહમૂદે બોલ્ડ કર્યો હતો. આ પછી નાથન લાયન (15 રન)ને મેહદી હસન મિરાજે એલબીડબલ્યુ આઉટ કરીને કંગારૂ ટીમની બીજી ઇનિંગ્સ 284 રન પર સમેટી લીધી હતી. મિરાજે બીજી ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપી હતી, જ્યારે મહમૂદને 3 સફળતા મળી હતી. તસ્કીન અહમદ અને તૈજુલ ઇસ્લામે 1-1 વિકેટ લીધી હતી.

પ્રથમ ઇનિંગ્સના આધારે મળી હતી 228 રનની લીડ

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા પોતાની પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 198 રન જ બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથે સૌથી વધુ 71 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 6 વિકેટ ઝડપી હતી, જ્યારે ઇબાદત હોસેન અને તસ્કીન અહમદને 2-2 સફળતા મળી હતી.

જવાબમાં બાંગ્લાદેશે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં 426 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. પ્રથમ ઇનિંગ્સના આધારે બાંગ્લાદેશને 228 રનની મોટી લીડ મળી હતી. ઓપનિંગ બેટ્સમેન તંજીદ હસન તમીમે શાનદાર 101 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન નજમુલ હુસૈન શાંતો (84) અને મેહદી હસન મિરાજ (65) પણ બેટથી મહત્વપૂર્ણ પ્રદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે 6 વિકેટ ચટકાવી હતી, જ્યારે મિચેલ સ્ટાર્કને 2 સફળતા મળી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *