EPFO Pension Update: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ના કર્મચારી પેન્શન સ્કીમ (EPS)ના લાખો પેન્શનરો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી એવી અટકળો અને માંગ ચાલી રહી હતી કે ન્યૂનતમ માસિક પેન્શન રૂ. 1,000થી વધારીને રૂ. 7,500 કરવામાં આવશે. જોકે, સરકારે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં સ્પષ્ટ કર્યું છે કે હાલમાં ન્યૂનતમ પેન્શન વધારવાનો આવો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી. ગુરુવારે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સંસદમાં આ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી હતી.
85 લાખથી વધુ પેન્શનરોને આંચકો
દક્ષિણ દિલ્હીના સાંસદ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ન્યૂનતમ પેન્શન વધારીને રૂ. 7,500 કરવાનો હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. દેશના 85 લાખથી વધુ પેન્શનરો આ નિર્ણયથી નિરાશ થઈ શકે છે, કારણ કે તેઓ લાંબા સમયથી સન્માનજનક પેન્શનની આશા રાખી રહ્યા હતા.
હવે કેટલું મળશે ન્યૂનતમ પેન્શન?
મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, ‘EPS ફંડની સ્થિરતા અને ભવિષ્યની નાણાકીય જવાબદારીઓને ધ્યાનમાં રાખીને વર્તમાન વ્યવસ્થા જ ચાલુ રાખવામાં આવશે. આ સ્કીમ હેઠળ હાલ મળી રહેલું ન્યૂનતમ રૂ. 1,000નું માસિક પેન્શન યથાવત રહેશે, જે 1 સપ્ટેમ્બર, 2014 થી લાગુ છે. આ પેન્શન જાળવી રાખવા માટે સરકાર બજેટરી સપોર્ટ આપે છે અને કર્મચારીઓના પેન્શન ફંડમાં 1.16% અને એમ્પ્લોયર તરફથી 8.33%નું યોગદાન આપવામાં આવે છે.
પેન્શનર્સ સંગઠનની રજૂઆત
EPS-95 રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિના જણાવ્યા અનુસાર, પેન્શનરો છેલ્લા ઘણા વર્ષોથી પોતાની માંગણીઓ સરકાર સમક્ષ મૂકી રહ્યા છે. અનેક રજૂઆતો અને શાંતિપૂર્ણ પ્રદર્શનો કરવા છતાં પણ ન્યૂનતમ પેન્શન વધારવા અંગે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. સંગઠનનું માનવું છે કે નિવૃત્તિ પછી સન્માનજનક જીવન જીવવા માટે રૂ. 7,500ની માસિક રકમ પાયાની જરૂરિયાત છે, પરંતુ સરકારે ભવિષ્યની નાણાકીય સ્થિરતાને વધુ મહત્ત્વ આપ્યું છે.
દેશમાં 85 લાખથી વધુ પેન્શનરો
સરકારી આંકડા અનુસાર 31 માર્ચ, 2026 સુધીમાં દેશમાં EPS હેઠળ કુલ 85,84,604 પેન્શનરો માસિક પેન્શન મેળવી રહ્યા છે. નાણાકીય વર્ષ 2026 સુધીમાં આ યોજના હેઠળ રૂ. 15,819.28 કરોડનું પેન્શન ચૂકવવામાં આવ્યું છે. પેન્શનર સંગઠનોનું કહેવું છે કે રૂ. 1,000ની હાલની મર્યાદા આજના સમયમાં ખૂબ જ ઓછી છે, જેથી તેઓ ભવિષ્યમાં સરકાર તરફથી સકારાત્મક નિર્ણયની આશા રાખી રહ્યા છે.